gujarati

વિદ્યાર્થીનીઓ પોતાના કૌશલ્યોને વિકસાવી પુરૂષ સમોવડી બનેઃ અગ્રસચિવ સુનયના તોમર

Surajmishra | Friday, February 24, 2017 4:38 PM IST

અમદાવાદમાં ગાંધીનગર હાઈવે પર નૈસર્ગિક વાતાવરણમાં વસેલ હીરામણિ વિદ્યા સંકુલ એટલે વિવિધ સહઅભ્યાસિક તથા ઈતર પ્રવૃતિઓથી ધમધમતુ વિદ્યાધામ. શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭નું હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળા (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)નો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ ગઈકાલે રંગદા ઓડિટોરીયમ હોલમાં સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીનના અધ્યક્ષ સ્થાને અતિથિ વિશેષ અગ્રસચિવ (શિક્ષણ વિભાગ) શ્રીમતિ સુનયના તોમરની હાજરીમાં યોજાયો હતો. જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીને શાલ, બુક અને રૂમાલ દ્વારા તેઓશ્રીને સન્માનિત કર્યા. આ પ્રસંગે પ્રમુખશ્રી નરહરિ અમીને વિદ્યાર્થીઓ શાળા અને શાળા શિક્ષકો ઉપર વધુ વિશ્વાસ મુકે તે ઉપર ભાર મુકયો હતો. મુખ્ય મહેમાન શ્રીમતી સુનયના તોમરે પોતાના વકતવ્યમાં જણાવ્યુ કે, વિદ્યાર્થીનીઓ પણ વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઈ પોતાના કૌશલ્યોને વિકસાવી પુરૂષ સમોવડી બને. વિદ્યાર્થી ભાઈ-બહેનોને તેમણે સમયની કિંમત સમજાવતા કહ્યુ કે ટાઈમ મેનેજમેન્ટ પ્રથમ શરત છે અને વિદ્યાર્થીઓને આ ઉંમરે અભ્યાસ અને અભ્યાસેતર પ્રવૃતિ વિના બીજુ કંઈ જ નથી કરવાનું, સોશિયલ સાઈટથી પણ દૂર રહેવુ જોઈએ.

   ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ ૮ થી ૧૨ના કુલ ૨૪૬ વિદ્યાર્થીઓને તેમની વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃતિઓમાં પ્રથમ ક્રમાંકે આવતા સંસ્થા દ્વારા ઈનામ અને સર્ટીફીકેટ એનાયત કરાયા, જેમાં હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૧૬ વિદ્યાર્થીઓને ૧૭૦ ઈનામો અને હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલના ૧૩૦ વિદ્યાર્થીઓને ૧૮૫ ઈનામો આપ્યાં. આ ઉપરાંત ખેલે ગુજરાત સ્પોર્ટસ લીગ ફુટબોલના ૧૬ વિદ્યાર્થીઓ અને ૪ શારીરિક શિક્ષણના શિક્ષકોને રોકડ પુરસ્કાર તેમજ ખેલ મહાકુંભ-૨૦૧૬ના અલગ અલગ રમતના ૨૧ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાયેલ રોકડ પુરસ્કાર એનાયત કર્યા હતા.