gujarati

વડોદરા: MSUમાં હવે તમામ ફેકલ્ટીમાં ફ્રી Wifiની સુવિધા અપાશે

Webdesk | Wednesday, December 27, 2017 2:18 PM IST

વડોદરા: લાંબા ગાળાની માંગણીઓ બાદ આખરે એમ.એસ.યુનિવર્સિટીનું સમગ્ર કેમ્પસ વાઇ ફાઇથી સજ્જ થશે. છેલ્લા ચાર મહિનાની કામગીરી બાદ યુનિવર્સિટીના ખૂણે ખૂણે વિદ્યાર્થીઓ કર્મચારીઓ ઇન્ટરનેટનો વપરાશ કરી શકશે. ટેકનોલીજી, સાયન્સ, યુનિવર્સિટી હેડ ઓફીસ તથા બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં વાઇ ફાઇની સુવિધા હતી, જોકે હવે તમામ ફેકલ્ટીમાં વાઇ ફાઇ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી ઇન્ટરનેટની સુવિધા મળે તે માટેની માંગણી કરવામાં આવી રહી હતી. કોમ્પયુટર સેન્ટરના ડાયરકેટર અપૂર્વ શાહે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ વિદ્યાર્થીઓને વાઇ ફાઇની સુવિધા મળશે જેના માટે એકસેસ પોઇન્ટ મૂકવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સાડા ચાર કરોડના ખર્ચે સમગ્ર વાઇ ફાઇની સુવિધા ઉભી કરવામાં આવશે. હાલમાં યુનિવર્સિટીમાં 1050 એકસેસ પોઇન્ટ છે જયારે વધારાના 950 એકસેસ પોઇન્ટ મૂકવામાં આવશે. ગાંધીનગર ખાતે આવેલ નેશનલ નોલેજ નેટવર્ક દ્વારા 500 જીબીપીએસ યુનિ.ને આપવામાં આ‌વે છે જેનો પણ ઇન્ટરનેટ આપવા માટે ઉપયોગ કરવામાં આવશે. ઇ મેઇલ રજીસ્ટ્રેશન દ્વારા વિદ્યાર્થીઓને વાઇ ફાઇનું એકસેસ અપાશે.